મારૂ વતન લીંબડી

1508849885305_trimmed

દિનકર વિશ્વનથ ભટ્ટ,  લીંબડી , હવેલી શેરી,  હાલ  પનવેલ નવી મુંબઇ

( નિવૃત from Reliance Patalganga Plant )

[ ગામ  લીંબડી, જી. સુરેન્દ્રનગર  મારા ગામની નદી, નાળા, ખેતરો, કુવા, મંદિરો, શેરીઓ, ઉત્સવો, મેળા, સંતો મહંતોજિંદગી થી જોડાયેલા ભાવાત્મક સંબંધો, લાગણીઓ  અને ….લંગોટીયા .મિત્રો.]

dinu

લીંબડી.

ગામ મારૂ લીંબડી ને, જીવ મારો ગામમાં,
છો ભલે દુનિયા ફર્યો, મન હજી છે ગામમાં.

રોજ મળતા એજ ચહેરા, એજ છે પોતાપણું,
નામ જો પૂછો તો પેઢી પાંચ કહી દે ગામમાં.

એક અડીખમ પુલ છે જે ગામડા ધમરોળતો,
વળગી ચાલે વેલની માફક નદી આ ગામમાં.

નદી ષોડશી કન્યા લાગે , ચોમાસે ભરપૂર,
મેળાઓ ઉભરાય ત્યારે રોજ મારા ગામમાં.

ગામ વચ્ચે એક અડીખમ ટાવર ઉગ્યો છે,
ટકોરા સંભળાય અડધી રાતના પણ ગામમાં.

સરનામાં મા બે પરા, છાલિયા ને બાયલા,
વગર સરનામેય કાગળ મળીજાય આ ગામમાં.

મંદિરો તો એટલા કે ,મથુરા કાશી દ્વારકા,
ભગવાન પણ ભૂલો પડીજાય મારા ગામમાં

સંતો મહંતો મંદિરો, અને અલખના ઓટલા,
ઝાલરો સંભળાય સાંજે રોજ મારા ગામમાં.

ભર બપોરે પણ ગઢની રાંગ પર ચડી, જુઓ,
લીલા લીલા ખેતરો લહેરાય મારા ગામમાં.

ગામની ગાયો બધી ભેગી સવારે પાદરે,
આથમે લઇ ગોધુલી સૂરજ અમારા ગામમાં.

સુકી નદીની રેતમાં વંટોળ ચડતા આભમાં,
વૈશાખના તડકાય મીઠા લાગતા આ ગામમાં.

શ્રાવણોમાં વેદ, પંડીતો અને કન્યા વ્રતો,
કુંવારી આંગળીએ અહીં પૂજાય ગોર્યો ગામમાં.

રસ્તે મળે જો કોઇ ગુરુજન સૌ પડે પગમાં,
શ્રધ્ધા અને આદર હજી જીવંત મારા ગામમાં.

આ હ્રદય જો હોય મારૂ, રેલ્વે સ્ટેશન,
કોઇ પણ ગાડી મળે ને જાય લીંબડી ગામમાં.

મારો એક બાળપણનો મિત્ર ( હર્ષદ આદેશરા ) અચાનક ફેસ-બુક પર મળી ગયો, ઘણા વર્ષે તેનો સંપર્ક થયો, ખુબજ આનંદ થયો. તેને મે અમારા ગામના એક ચબુતરાનો ફોટો મોકલ્યો, તે ખુબ જ ખુશ થઇ ગયો, તેને કોમેન્ટ લખી, This is called Vande Matram..

DSC00572
ભોગાવો નદીનો દરવાજો અને ચબુતરો

મને થયું કે મારા ગામની સ્મરણ યાત્રા અંહિંથી જ શરૂ કરૂ. આ ચબુતરો શબ્દ અમારી ઝાલાવાડી ભાષામાં વધારે પ્રચલિત. કબુતરોને ચણ નાખવા માટે બનાવવામાં આવ્યો હોય. પણ અમે બાળપણના મિત્રો રજાને દિવસે કે ફુરસદ મળે ત્યારે ચબુતરા ઉપર ચડીને અડ્ડો જમાવી દેતા. બાજુમાં સામે જ પીપળાનું ઝાડ હતું. તેના કુમળા પાન તોડીને લઇ જતાં. ઘરે થી છાનામાના મીઠું અને લાલ મરચાનો પાવડર નાના કાગળના પડીકામાં લઇ જતાં, પછી પીપળાના પાનમાં મીઠું, મરચુ નાખી તેનું પરબીડીયું વાળીને પાન ખાતા હોય તેવી લહેજત માણતા. ચબુતરાની બાજુમાં જ નદીએ જવાનો  દરવાજો, નદીનો વ્યુ ઉપરથી મસ્ત દેખાય. તે વખતે તો વર્ષના ચાર પાંચ મહિના નદીમાં પાણી રહેતું. આ દ્રશ્ય અમે ભરપુર માણીને જોયા કરતા. કદાચ અમને કુદરત પ્રેમી કરવામાં આ ચબુતરાનો મોટો ફાળો  હશે. આ ચબુતરો અમારા માટે રાજ મહેલ જેવો હતો. ઉપરની અટારીએથી જગતને જોવાની મજા લેતા.

ત્યારે ફુરસદ જ ફુરસાદ રહેતી. ન કોઇ ટ્યુશન ક્લાસીસની માથાકુટ ન ભણવામાં સારા ટકા % લાવીને દેખાડવાની હોડ. કોઇ છોકરાના મા-બાપને છોકરો પરીક્ષામાં કેટલા ટકા લાવ્યો તે પુછવાનો રીવાજ જ નહીં. ” છોકરો શેમાં ભણે છે ? આઠમાંમા ? સારૂ  સારૂ લે, બે ત્રણ વરસમાં તો મેટ્રીક માં આવી જશે નઇ ! ” મેટ્રીક એટલે તે વખતે ૧૧ મું ધોરણ. કેવી મજા હતી ! કોઇ મોટા સપના જોવાના નહિં, કેરીયરની ચિંતા નહિં. અમારા મિત્ર મંડળમાં કોઇએ ક્યારેય એવું કીધું હોય કે હું મોટો થઇ ડોક્ટર બનીશ કે એન્જીનીયર બનીશ કે વકીલ બનીશ,  યાદ નથી આવતું ! સમય સાથે સાથે કદમ મિલાવતા મિલાવતા જે બનતા ગયા, તે સ્વિકારી લીધું.  એકદમ ટેન્શન મુક્ત જીવન હતું. છતાંય સૌ આજે પોતપોતાની રીતે  જિંદગીમાં ગોઠવાઇ ગયા છીએ, સૌ સફળ જિંદગી જીવીગયા છીએ તેવો અહેસાસ થાય છે.

c45

ચબુતરા ઉપરથી નદીની પેલે પાર લીલાછમ ખેતરો દેખાતા, આંખોને ઠંડી કરીદે તેવી હરીયાળી, નદીના સામે કાંઠે ફુલનાથ મહાદેવનું મંદિર હતું. ગામમાં બધાને એવું કહેતા સાંભળતા કે સાયં આરતી થયા પછી ત્યાં કોઇ રાત નથી રહી શકતું, પુજારી ગામમાં રહેતો. નાના ગામમાં આવી આવી રહસ્યમય વાતો નાનપણમાં બહુ સાંભળવા મળતી. અમે તો કોઇ જાતનો તર્ક વિતર્ક કરાવા જેટલી ઉમરના હતા જ નહિં, એટલે અમારા મિત્ર-મંડળમાં આવી વાતોની ચગાવી ચગાવીને ચર્ચા થતી. અમે દશમાં ધોરણમાં આવ્યા ત્યારે પરીક્ષાની તૈયારી માટે બધા મિત્રો ભેગા મળી અને આર.એસ.એસના કાર્યાલયમાં રાત્રે વાંચાવા માટે ભેગા થતાં, પછી વાંચતા વાંચતા કંટાળો આવે એટલે ફ્રેશ થવા, રાતના બે, ત્રણ વાગે ગામમાં આંટો મારવા નીકળીએ. ગામની સુમસામ ગલીઓ, અંધકાર, કુતરા ભસવાના અવાજો અને અમારી મસ્તી આ બધુ માણવાની એક અલગ જ મજા હતી, એક વાર બધાને બહાદુરીનું ભૂત ચડ્યું ને નક્કી કરી નાખ્યું આજે ચલો ફુલનાથ માહાદેવ જઇએ. બાધાએ હા ભણી, સામુહિક સાહસમાં ના તો કોઇ પાડી ન શકે, જે ના પાડે તે ડરપોક ગણાય. થોડા ડર સાથે, થોડા સાહસ સાથે ઉપડ્યા અડધી રાત્રે ફુલનાથ મહાદેવ. પછી તો મજા પડીગઇ, મંદિરમાં જોર જોરથી બુમો પાડી હર..હર.. મહાદેવ. મંદિરના ઘંટો જોર જોરથી વગાડ્યા, બાજુમાં કબ્રસ્તાન હતું તેમાં આંટા માર્યા. ક્યાંક હવાથી પાંદડાનો સરસરાટ સંભળાય એટલે કાન ચમકી જતાં પણ બધા સાથે છીએ એ ખ્યાલ આવતા જ કોઇ ડર નથી તેવો ભાવ દેખાડતા. જિંદગીની ખુબ મોટી બહાદુરી કરી હોય તેમ મિત્ર-મંડળમાં કેટલાય દિવસ વાતો કર્યા કરી. પણ તે દિવસથી ભૂત-પ્રેતનો ડર નીકળી ગયો.

લીંબડીની એક તરફ નદી, નામ ભોગાવો ( સાચુ નામ ભોગવતી ) અને નદીના કાંઠે કાંઠે ગઢની રાંગ ( એટલે કિલ્લાની ઉંચાઇ તોડીને અડધી કરી નાખી હોય તેવી પહોળી દિવાલ )   બંદુકની નળીઓ બહાર કાઢીને દુશ્મનો સામે લડી શકાય તેવા ગઢની દિવાલને કાંણાં. આ દરેક કાણાંમા અમે મોઢું નાખીએ એટલે નદી દેખાય. વચ્ચે વચ્ચે કોઠા આવે એટલે કે તોપો ગોઠવી શકાય તેવી ગોળાકાર જગ્યા. આ બધું અમારા બાળપણમાં શ્વાસની જેમ વણાઇ ગયું હતું આ ગઢની રાંગ અમારી જિંદગીનું અંગ બની ગઇ હતી. નદી કિનારે ગઢની રાંગે રાંગે ચાલતા જાવ એટલે લીંબડીની ભૂગોળ ખુલતી જાય. ઊંટડી ગામે જવાનો નદીનો પુલ, પછી ઘાંચીના ઘરો આવે, ટાવર દેખાય પછી નદીમાં ઉતરી જવા માટે એક દરવાજો આવે પછી મોટુ-મંદિર, રામનાથનું મંદિર, રણછોડ ટેકરી ( ભરવાડોનું મંદિર ) નરસિંહ ટેકરી, આ બે મંદિરોને ટેકરી નામ કેમ આપ્યું હશે ? ખબર નહિં પણ ત્યાં સમ ખાવાય નાની ટેકરી નથી પછી કબિર આશ્રમ અને જગન્નાથ સ્વામીનો આશ્રમ. ગઢની રાંગે રાંગે તમે લીંબડીનો પશ્ચિમ ભાગ આખો ફરીલો.

c38 - Copy

લીંબડીમાં લડાઇઓ થઇ હોય તેવો ઇતિહાસ કોઇએ સંભળાવ્યો હોય તેવું યાદ નથી. રામનાથ મંદિર પાસે ગઢની રાંગ નીચે દશથી બાર જેટલા પાળીયા છે, ક્યારેક ક્યારેક અમે જોયું હતું કે કોઇ પરિવાર આવીને તેને સિંદૂરથી રંગી અને ધૂપદીપ કરતાં, નાળીયેર વધેરતા, એટલે અમે અંદાજ લગાવતા કે આ લોકોના કુંટુમ્બમાંથી કોઇ લડતા લડતા વીરગતીને પામ્યા હશે. ગઢની રાંગ ફક્ત નદી તરફ જ કેમ રાખી હશે ? લીંબડીની બીજી તરફનો ભાગ ખુલ્લો, ન કોઇ ગઢ કે ન કોઇ દિવાલ, આ વાતનું આશ્ચર્ય હજી પણ મનમાં ઘોળાય છે.

પરિવાર, પડોશીઓ અને બા સાથે જ્યારે જ્યારે જગદીશ આશ્રમ કે ચરમાળીયા દાદાના મંદિરે ( નાગનું મંદિર ) મેળે જવાનું થાય એટલે અમે બાળકો રોડ ઉપર ચાલીએજ શેના ! અમે ગઢની રાંગે રાંગે ઉપર ઉપર જ દોડતા આગળ નીકળી જઇએ અને પછી તેમની આવવાની રાહ જોઇને નીચે ઉતરી ઉભા રહીએ, જાણે કેમ ગઢ જીતીને નીચે ઉતર્યા હોય !. આમ મેળા અને ગઢની રાંગ ઉપર દોડવાની મજા તે એક બીજાના પર્યાય બની ગયા હતાં. સાતમ-આઠમના બે દિવસના મેળા જગદીશ આશ્રમના સામેના મેદાનમાં ભરાય અને શ્રાવણ મહિનાના બધા જ સોમવાર, ચરમાળીયા દાદાના મંદિરે મેળા.આટલા મેળાએ જાવા માટે ગઢની રાંગ ઉપર ચડીને જ જતા.

મેળાની મજા પણ નિર્દોષ અને કોઇ પણ વધારે ખર્ચા વગરની, બા કાકડી કે ચીભડા લે પછી નદીમાં ઉતરી જઇએ, લગભગ બધાજ છોકરાઓ લઇને આવેલા પરીવાર નદીમાં વહેતા પાણીની નજીક રેતીમાં બેસી જાય, ઘરેથી લાવેલા શીંગ ચણા કે ચેવડો,થેપલા આ બધુ થેલીઓ માંથી નીકળતુ જાય અને મેળાની મજા લેવાતી જાય.

હું બ્ર્હામણ પરિવારનો હોવાથી બહારની લારીઓની ચીજો ખાવાની મનાઈ એટલે ઘણી વસ્તુઓનો સ્વાદ અને સોડમ આજેય યાદ કરું તો મોઢામાં પાણી આવીજાય છે. એક તો દાઉદની લારીનો રગડો અને પેટીસ, ગરમ ગરમ તાસમાં રાખેલો રગડો, ઉપર ખોસેલા લીલા મરચા અને ટમેટા અને એની સોડમ, અને એક હાજીના મસાલા વાળા બટેટા. આ ચીજો લીંબડીમાં હતો ત્યારે ખાવા ન મળી અને હવે લીંબડી જઇને આરામથી ખાઇ શકુ તેમ છું ત્યારે રગડા વાળા દાઉદ કે હાજી બટેટા વાળા લીંબડીમાં રહયાં નથી.

લીંબડી મેળાનું ગામ વર્ષમાં અવાર નવાર મેળા થાય આજુ-બાજુના ગામના મેળા એટલે એ લીંબડીના જ કહેવાય. શીતળા સાતમનો છાલીયા તળાવ પાસે શીતળા માતાના મંદિરનો મેળો, પાંદરી ગામે માતાજીના મઢે મેળો, બોડિયા ગામે મહાદેવના મંદિરનો મેળો, કારતક મહિનામાં દર શનિવારે ઊંટડી ગામે હનુમાનજીના મંદિરે મેળા.શ્રાવણ મહિનાના દરેક સોમવારે ચરમાળીયા દાદાના મંદિરનો મેળો,અઢળક મેળાઓ. એક મેળો પતે એટલે બીજા મેળાની રાહ જોવાતી હોય.મેળો હોય એટલે      ફજર-ફાળકો, ચગડોળ, આ બધું તો હોય જ, આ બધી નાની રાઇડો એટલે આજના એસ્રેલ-વર્ડ કે ઇમેજીકા ના મીની વર્ઝન જ તો. થ્રિલનો કન્સેપ્ટ તો એજ જુનો, પણ હવે સાયન્ટીફીકલી વાઇડ અને સેઇફ.

મોતનો કુવો એટલે ફટફટીયાનો ( આજે આપણે જેને બાઇક કહીએ છીએ ) જાંબાઝ યુવાન પેટીયું રળવા લાકડાના બાંધેલા કુવામાં દિલધડક કરતબો બતાવે, પ્રેક્ષકોએ સીડી ચડીને ફરતા બાંધેલા માચડા ઉપર ઉભા રહેવાનું, ઉપર ઉભેલા પ્રેક્ષકોના હાથમાંથી રુમાલ પણ ઝડપીલે તેવા સાહાસ કરે. આખો માંચડો હલતો હોય, પ્રેક્ષકો દિલધડ્ક કરતબો તો જોતા હોય પણ પોતે પણ હાલતા ડોલતા માચડાનું જોખમ વ્હોરી લીધું હોય તેમ ખેલ ક્યારે પતે અને ક્યારે સહીસલામત જમીન પર ઉતરૂ તેની રાહ જોતો હોય. નીચે ઉતર્યા પછી સલામત જમીન પર ઉતરવાનો હાશકારો અનુભવે. એક વાત કબુલ કરવી પડે કે ૨૧ મી સદીમાં ૬૦ વર્ષો પછી પણ આ ખેલ કરનારા જાંબાઝો હજી ત્યાંને ત્યાં જ છે.

આ બધાજ મેળાની મજા એ હતી કે દરેક ગામ ચાલીને જવું પડે. મેળેથી આવતા અને મેળે જતા માણસોની વણઝાર જાણે હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા વખતે હીજરત થઇ રહી હોય તેવું લાગે. જતા માણસોના ટોળામાં મેળે જવાનો ઉત્સાહ હોય તો આવતા માણસોના ટોળામાં થોડોક થાક દેખાય, પણ નાના બાળકોના હાથમાં ફરફરીયા ફરતા હોય, પીપુડા વાગતા હોય. કાકડી ખાતા હોય. આમ મેળેથી પાછી આવતી વણઝાર અલગ તરી આવે.

DSC00560

છાલીયા તળાવ લીબડીના તળાવો માનો એક ઉત્તમ નમુનો, પત્થરની પાળી બાંધેલુ તળાવ લગભગ બારે મહિના પાણીથી ભરેલું હોય. તળાવમાં ઉતરવા માટે પગથીયા, પગથીયાની પાળી અને પાળીના ટોડ્લા, જેને અમે કંકાવટી કહેતાં, તળાવમાં ન્હાવાનો અને તરવાની પ્રેક્ટીસ કરવાનો પ્રોગ્રામ થતો.અમે સૌથી ઉંચી કંકાવટી ઉપરથી ડાઇ મારતા અને તળાવની વચ્ચે એક થાંભલો હતો તેને અડીને પાછા આવી જતાં. સાથે હોંશીયાર તરવૈયાઓ હોય એટલે અમને પારો ચડાવતા, સાત સમંદર તરીને આવ્યા હોય તેવો તોર મગજમાં ભરાતો. તરતા તો અમે ભાઠીના હનુમાન પાસે તળાવમાં આવતી નાની નહેર ઉપર બેઠો પુલ હતો ત્યાં જ શીખી ગયા હતાં. કારણ કે ફક્ત કેડ સમાણૂં પાણી હોય, ડુબી જવાનો બીલકુલ ભય નહિં. લીંબડી ગામના લગભગ છોકરાઓ ભાઠીના હનુમાનના નાળા માંજ તરતા શીખેલા હશે. બાકી હતાં ભોગાવો નદીમાં આવેલા ઓછા ઉંડા હોય તેવા કુવા, એક કુવાનું નામ ગણપતિયો કુવો, નદીમાં પાણી હોય એટલે આ કુવાઓના પાણીના લેવલ પણ ઘણા ઉપર, ઉંડા ખરા, તરતા શીખવાડવા વાળા માસ્ટરની જરુર ખરી. પણ લીંબડી ગામમાં શેરીએ શેરીએ આવા ફ્રી-લાન્સ માસ્ટરો મળી રહે. અને છોકરાઓ પણ ગર્વથી તરવૈયા ગુરૂનું નામ લે. મને તરતા ફલાણા ભાઇએ શીખવ્યું, ભાઇ કહેવું પડે હો, તરવામાં એકો આ માણસ. ડીગ્રીની જરૂર ખરી ?

lmbdi-7

લીંબડીની નદીએ જિંદગીમાં વહેતા પાણીનો પ્રેમ ભરી દીધો,. રેતીમાં રમતા શીખવ્યું. બા વહેતા પાણીના કીનારે તબડકુ અને ખડકું લઇને કપડા ધોવે ત્યાં સુધી અમારે ઢીંચણ સમાણા પાણીમાં ધુબકા મારવાના. ખડકુ અને તબડકું શબ્દ ફક્ત નદી કીનારે આવેલા ગામના માણસો જ સમજી શકે. ખડકુ એટલે બે ઇંચ જેવું જાડુ અને દોઢ ફુટ બાય બે ફુટ જેવું લાકડાનું પાટીયું જેના ઉપર નદીને કિનારે વહેતા પાણીની બાજુમાં બેસીને ધોકા મારીને કપડા ધોઇ શકાય. નદીમાં ન્હાતા હોઇએ ત્યારે ઝીણી ઝીણી માછલીઓ અમારી આજુબાજુ મંડરાયા કરે, ગલગલીયા કરી જાય,એક બે કલાકનો સમય ક્યાં વીતીજાય ખબર જ ના પડે. ઘડિયાળ અને સમયનું કોઇ વળગણ જ નહીં, કલાકોના કલાકો આનંદમાં વીતી જાય. જ્યારથી સમયની સભાનતા આવી અને ઘડીયાળમાં સમય જોતા થઇ ગયા ત્યારથી જિંદગીની ઘણી મજા છીનવાઇ ગઇ.

. અમારા લીબડીની એક વાત ખુબજ નોંધ લેવા જેવી છે. સોળ વર્ષની ઉંમર સુધી હું લીંબડીમાં હતો પણ નદીમાં કોઇ જાળ નાખીને માછલા પકડતું હોય તેવું મે ક્યારેય જોયું નથી, કદાચ ગામ ઘણું ધાર્મિક હતું એટલે ?

મોળાકતના વ્રત હોય એટલે નાની નાની કન્યાઓ નદીમાં રમવા માટે ઉમટે જાણે છોકરીઓનો દરીયો હીલોળા લેતો હોય તેવું લાગે.. છોકરીઓના વ્રતમાં ગવાય તેવા જોડકણા ગીતો અને કિલ્લોલથી નદી ચહેકી ઉઠે. ગામ આખું મોળાકતના વ્રતમાં ડુબીજાય. મોળાકતના વ્રત પાંચ દિવસ હોય પછી છેલ્લો દિવસ જાગરણનો. તે દિવસે લગભગ આખું ગામ શેરીઓમાં જાગતું હોય, અમે ક્યારેક છોકરીઓના ફ્રોક પહેરીને તેમની વચ્ચે રમવાની કોશીશ કરીએ, છોકરીઓ ધક્કામુક્કી કરીને અમને ભગાડવાની કોશીશ કરે, રાત ક્યાં વિતીજતી ખબર નહોતી પડતી. નિર્દોષ મન હતાં, આવી હરકતો કરી શકતા અને સૌ સાથ આપતાં. પછી કેટલાય દિવસો સુધી આ મજાને વાતો કરી વાગોળતા.

hqdefault
નદી પરનો પુલ

.જાન્યુઆરી મહીનો એટલે પતંગ અને દોરાનો મહીનો, નદીમાં ખુબ પવન હોય એટલે નદીમાં પતંગ ઉડાડતા, પતંગના પેચ લડાવતા, પતંગ કપાઇ જાય એટલે નદીની સામે પાર ખેતરો અને વગડા તરફ જાય, ભરવાડના છોકરાઓ વાંસડા ઉપર કાંટાવાળા ઝાડું બાંધીને પતંગ લૂંટવા દોડે. ક્યારેક આઠ-દશ ભરવાડના છોકરા ભેગા થઇ જાય તો અમારા હાથમાંથી પતંગ અને દોરો લૂંટીને ભાગીજાય. આતંકવાદનો અનુભવ અમે નાનપણમાં નદીમાં જ અનુભવેલો. નદીએ શું શું નથી આપ્યુ ? આતંકવાદી ડરનો અનુભવ, કંઇ પણ પ્રતિકાર ક્રર્યા વગર વીલે મોઢે ઘરે આવતું રહેવું. બાપુજીથી આ વાત છુપાવવી, આવી ગાંધીગીરી પણ નદીએ જ શીખવી.

નદીનું બીજું રૂપ એટલે આખા ગામનું શૌચાલય, આખા ગામમાં એ વખતે બહુ જૂજ ઘરોજ એવા હશે જે ઘરમાં શૌચાલય હશે. મોદીજી બહું મોડા પડ્યા. ઘર ઘર શૌચાલયની યોજના દિવા સ્વપ્ન જેવી લાગે. એ વખતે લીંબડીમાં બહું સામાન્ય વાત હતી, ડબલું, લોટો કે પાણી ભરીને લઇ જવાય તેવું સાધન દરેક ઘરની બહાર પડ્યું હોય. ક્યારેક તો ઘરના મેમ્બર વધારે હોય તો એકથી વધારે પણ હોય. ગામનો ગમે તેવો મોટો ચમર બંધી હોય પણ ડબલું લઇને નદીએ જતો દેખાય, ક્યારેક ન દેખાય તો શંકા થાય કે માંદો હશે કે બહાર ગામ ગયો હશે. ગામની સ્ત્રીઓ લગભગ રાત્રીના સમયે ગ્રુપમાં નીકળે, લગભગ સૌ સૌના ગ્રુપનો સમય ફીક્ષ હોય. જોવા જેવું એ હતું કે નદી ક્યારેય ગંદી નથી લાગી.

નદીમાં વરસાદની મોસમમાં પુર આવે, ત્યારે પાણી ડહોળૂ થતું જાય, આ પુર આવવાની નિશાની,સૌ સલામતી માટે નદીમાંથી બહાર આવી જાય.ક્યારેક તો ઘોડાપુર આવે, ઘોડાપુર એટલે ખુબજ ઝડપથી પાણીનું લેવલ વધવા માંડે, ને જોત જોતામાં નદી બન્ને કાંઠે વહેવા માંડે. કેટલીય વાર એવું બન્યું હશે કે પાણી ચબુતરા પાસેના દરવાજેથી ગામમાં ઘુસી જાય તે છેક મોટા-મંદિરના પગથીયા સુધી આવીજાય. પુર આવે એટલે લીંબડીના લોકો નદી જોવા બહાર આવી જાય, બીજી ખુબીની વાત તો એ છે કે કોઇ ઘરમાં તાળા મારવાની જરૂર જ નહી, ડેલી નો દરવાજો આડો કરીને ઘરના નીકળી જાય. ફ્ક્ત કોઇ પરિવાર આખો બહારગામ જાય ત્યારે તાળું લાગે. ઘોડાપુર આવે એટલે અમે બધા નદીને  જોઇને અટક્ળો કરતા, ક્યાકથી સાંભળેલી લોક વાયકાની ચર્ચા કરતાં કે લીંબડીના દરબાર ( રાજા ) આવીને આંગળીનું લોહી કાઢી નદીને વધાવશે એટલે પાણી એક કલાકમાં જ ઉતરી જશે.

DSC00566
IMG_20171226_083147

જગદિશ આશ્રમ નદિના કીનારે જ, આશ્રમ સામે મોટું મેદાન અને મેદાન પુરૂ થાય એટલે નદી. આશ્રમ સામેના મેદાનમાં સવારે ગામની બધી ગાયો ભેગી થાય. સવારે ભરવાડની છોકરીઓ કે ગાંમની ગરીબ છોકરીઓ જેને ગાયના પોદળા વીણીને છાણા બનાવવાના હોય તેવા ગરીબ ઘરની છોકરીઓ, ગાયનું છાણ ભેગું કરવા આવે. સવારનું આ દ્રશ્ય ગોકુળ જેવું લાગે. પછી એક સાથે ભરવાડ સૌ સૌની ગાયો લઇને વગડામાં ચરાવા લઇ જાય.સાંજે સૌ પાછા વળે. ગોધુલી સમય જેને કહેવાય છે તે લીંબડીમાં તાદ્રશ્ય જોવા મળે. સૂરજ સિંદૂરીયા રંગનો થઇ ગયો હોય, નદીના રેલવેના પુલની નીચે આથમી રહ્યો હોય, ગાયોના ધણ પાછા આવીરહ્યા હોય તેની ધુળની ડમરિઓ ઉડતી હોય, અક્ષરસ: ગોધુલી વેળાનો અનુભવ થાય.

લીંબડી ગામમાં ” ગાઇડ ” ફિલ્મનું શુટીંગ થયું હતું. તે વિષય ઉપર એક બ્લોગ લખેલો તેનાં થોડાક અંશ અંહિયા ઉમેરુ છુ.   શુંટીંગ માટે આખો સેટ સ્ટેશનની સામે આવેલા સૌકા ગામ પાસે નદીમાં ઉભો કરવામાં આવેલો. અને ફિલ્મનું આખુ યુનીટ લીંબડી ના દરબારના બંગલામાં લગભગ પંદરેક દિવસ હતું.

l11a
“ગાઇડ“ મેં લગભગ વીસેક વાર જોયું હશે. જોકે આવું કહેવાવાળા માણસોનો દુનિયામાં તોટો નથી,  “મેં ફલાણું પિક્ચર આટલી વાર જોયું અને ફલાણું આટલી વાર.” પણ સાહેબ, મારી વાત જરા અલગ છે. મેં ચાલીસ વર્ષના ગાળામાં વીસ વાર જોયું ! જ્યારે પણ જોયું , મારી ઉંમર, અને સમજ શક્તિ, અથવાતો મારૂં માનસિક સ્તર અલગ અલગ હતું. શરૂઆતનું જે ગીત છે, “વહાં કૌંન હૈ તેરા…” અને પિક્ચરનાં છેલ્લાં દૃશ્યો, જેમાં “રાજુ ગાઇડ” સમય અને ઘટનાઓનો શિકાર બનતો બનતો એક ગામના મંદિરે જઇ ચડે છે, જ્યાં ગામ લોકોની શ્રધ્ધા સામે ઝુકીને તેને પરાણે સ્વામીજી બનવું પડે છે. આ બધાં ક્લાઇમેક્સ દૃશ્યોનું શુટિંગ લીંબડીમાં થયેલું.

vlcsnap-2015-07-23-14h52m55s175
ગાઇડ ફિલ્મનું એક દ્રશ્ય

૧૯૬૫ ની સાલમાં હું ચૌદ વર્ષનો હતો. મારા ગામમાં માણસો મેળાની જેમ ઉમટેલા. રેલ્વે સ્ટેશનથી બે કિ. મીટર આગળ નદી કિનારે શુટિંગ માટે સેટ ઉભો કર્યો હતો. માણસો ટોળે ટોળે શુટિંગ જોવા ખટારા ( ટ્રકો ) ભરીને જતા. ખટારા શબ્દ જાણીજોઇને વાપર્યો છે. અમે હજી ટ્રક શબ્દનો પ્રયોગ કરતા શીખ્યા ન હતા. મારા શેરીનાં મિત્રો, જિતો ( જીતેન્દ્ર), હર્ષદ, ભોપો ( ભુપેન્દ્ર ) વિગેરે સાયકલો લઇને જતાં. પંદર દિવસ શુટિંગ ચાલ્યું હતું. જિદગીનો પહેલો અનુભવ હતો, કોઇ પિક્ચરનાં હિરો-હિરોઇનને જોવાનો!  “ગાઇડ” પિક્ચરની શું સ્ટોરી (વાર્તા) હશે ? કઇં જ પલ્લે પડતું ન હતું. અમેતો મેળા જેવો આનંદ લુંટતા હતાં. ક્યારેક અમારાં ગામની બજારમાં ભીડ જોવાં મળતી અને ખબર પડતી કે વહીદા રહેમાન કંઇક શોપિંગ માટે આવી છે. અમારાં ગામની બજાર બહુ નાની છે. શોપિંગ શબ્દ જરા ઉંચો પડે છે.

મારા ગામમાં શુટિંગ થયું છે, એટલે આ પિક્ચર ગમે તેમ કરીને જોવું એવું નક્કી કર્યું. મારા માટે આ ઘણું અઘરૂં કામ હતું.

vlcsnap-2015-07-23-15h20m51s39
ગાઇડનું શુટીંગ વખતનું એક દ્રશ્ય

કારણ કે એ દિવસોમાં પિક્ચરો જોવા એ અવગુણોના લિસ્ટમાં આવતું. જેમકે ફલાણો છોકરો રખડેલ છે, બિડી પીવે છે, ભણતો નથી અને સ્કુલેથી છાનોમાનો પિક્ચરો જોવા જતો રહે છે. વિગેરે વિગેરે.. એ વખતે બાપુજી અમને ફક્ત ઘાર્મિક પિક્ચરો કે કોઇ ઐતિહાસીક પિક્ચરો જ જોવાની છુટ આપતા. અમે ઘરનાં ઓટલે બેસીને રોજ બપોરે, સિનેમા ઘરની ચાલુ પિક્ચરની નગારૂં વગાડતી વગાડતી એક ખાસ બનાવેલી લારી, જાહેરાત માટે શેરીએ શેરીએ ફરતી તેની રાહ જોતાં. લારી ઉપર ચાલું પિક્ચરનાં પોસ્ટરો લગાવેલા હોય, ક્યારેક “ભક્ત પ્રહલાદ” કે “ ચાર ધામ તિર્થ યાત્રા” જેવાં પિક્ચર આવતાં કે તરત બાપુજીને જાણ કરતાં. અને ત્યારે બાપુજી અમને સામેથી પૈસા અપીને કહેતા, “ઠીક છે આ પિક્ચર જોવાં જજો.”

હવે અમારે “ગાઇડ” પિક્ચરની રાહ જોવાની હતી. સાહેબ, એ જમાનામાં નવું રજું થયેલું પિક્ચર અમારા ગામનાં થિયેટરમાં આવતાં ખાસ્સું એક વરસ લાગી જતું. બરાબર એક વર્ષ પછી “ગાઇડ” અમારા ગામમાં પ્રદર્શિત થયું.
*

tapsi saheb
કબીર આશ્રમના તપસી સાહેબ

લીંબડી એટલે મંદિરોનુ ગામ, કાશી  કહીયે તો પણ ખોટું નહિં, નદીના સામે કાંઠે ફુલનાથ, ગઢની રાંગે રાંગે ચાલો એટલે  મોટા-મંદિર, છે કૃષ્ણનું મંદિર પણ મોટા-મંદિર તરીખે જ પ્રખ્યાત, આગળ ચાલો એટલે રામનાથ મંદિર રોડની જમણી બાજુ અને ડાબી બાજુ પણ શંકરનુ મંદિર ( નામ ભુલીગયો છું ) આગળ ચાલો એટલે રણછોડ ટેકરી પછી નરસિંહ ટેકરી, નરસિંહ ટેકરી એટલે ભરવાડ લોકોનું મંદિર, લગભગ તેમના મેળાવડા કે ભજનો અવારનવાર ચાલતા જ હોય, રણછોડ ટેકરી મંદિરમા  ખાખી બાવાઓના ડેરા લાગેલા હોય, ધુણી ધખાવી હોય ચીપીયો રાખમાં ખોસેલો હોય, એકાદ નાગો અવધુત ભભૂતી ચોળીને એક પગે તપસ્યા કરતો હોય, આવા દ્રશ્યો અવારનવાર જોવા મળે. પછી આવે કબીર આશ્રમ અને જગદીશ આશ્રમ, કબીર આશ્રમના સંત તપસી સાહેબ તરીકે જાણીતા, ભવ્ય વ્યક્તિત્વ, જોતાજ  કોઇ મહાન જ્ઞાની ઋષી જેવા લાગે. સાધુને શોભે તેવા સફેદ વસ્ત્રોમાં, કાનમાં કુંડળ, સફેદ દાઢી, લાંબા વાળની અંબોડી.

જગદીશ આશ્રમની તો જાહો જલાલી જ અલગ, ભવ્ય મંદિર, જગદીશ સ્વામીનો ભવ્ય ઇતિહાસ, આખા ગામનું ધાર્મિક સ્થળ લાગે. દિવાળીના દિવસોમાં બારસથી આરાધન પૂજન શરૂ થાય તે બે દિવસના પવિત્ર પ્રસંગમા લગભગ આખુગામ ઉમટે, બે દિવસ તો લીંબડી જાણે કાશીધામ સમુ બની જાય, જગદિશ સ્વામીના ચાર

WP_20151125_007
જગદીશ આશ્રમ અંદરથી
DSC00569
શ્રી દત્તપ્રકાશજી, શીવપ્રકાશજી,શ્રી વિષ્ણુપ્રકાશજી

શિષ્યો જેમા ત્રણ બ્રહ્મચારીજી , શ્રી દત્તપ્રકાશજી, શીવ પ્રકાશજી અને શ્રી વિષ્ણુ પ્રકાશજી ભગવા વસ્ત્ર ધારી ખુબજ પુજનીય અને દર્શનીય લાગે, જ્ઞાની અને સૌમ્ય, આશ્રમની ભવ્યતાને સંપુર્ણ સમર્પિત વ્યક્તિત્વ.આ ત્રણ ઋષી તુલ્ય પ્રતિભાઓ આખા ગામ માટે પુજનીય હતી.ગામના મોટા ગજાના ધુરંધર પંડીતો પણ તેમના ચરણ કમલમાં બેસી જતા. શ્રાવણ મહીનો આવે એટલે આખા ગામની વસ્તી સવારથી  જ પૂજા પાઠ, મંદિરે દર્શને જવું, કથા વાર્તાઓ ચાલે, સંપૂર્ણ ધાર્મીક વતાવરણ. મને તો ક્યારેક લાગે છે કે મારા બાળપણ અને કીશોરાવસ્થાના દિવસો મે સતયુગમાં વિતાવેલા. લીંબડીમાં તે સમયમાં જાણે સતયુગ ચાલતો હતો.

એક હતા ભગવાનજી કથાકાર, ગૃહસ્થી હોવા છતા પણ ઋષી તુલ્ય લાગે, જગદીશ આશ્રમમાં તેમની સંગીત-મય હરી કથા

DSC00567
શ્રી ભગવાનજી કથાકાર

સાંભળવા રાત્રે લગભગ આખુ ગામ ઉંમટે. સફેદ ધોતી, સફેદ ઉપવસ્ત્ર, હાથમાં કર્તાલ, સફેદ દાઢી, સફેદ જટા, વાહ શું છટા હતી કથા કરવાની ! મેતો મારી જિંદગીમાં આવા કથાકાર બીજા જોયા નથી, ત્યારે કદાચ મોરારીબાપુ જેવા કથાકારોનો સમય હજુ શરૂ પણ નહોતો થયો.પોતે લાઠી ગામના હતાં, આમેય લાઠી ગામે આપણને ગુજરાતી સાહિત્યના મહાન કવિ કલાપી તો આપ્યા જ  છે ને ?

અગણીત છે ઉપકાર ગુરૂજીના……. ધ્યાન ગુરૂજીના…. જ્ઞાન ગુરૂજીના…  આ કિર્તન ભગવાનજી કથાકાર ગાવાનું ચાલુ કરે એટલે તેમને સાથ આપવા વાળા બે સંગીતકારો હારમોનીયમ અને તબલા સાથે ગાઇને સંગત કરે શ્રોતાગણ ઝુમવા લાગે.  આ કીર્તનના શબ્દો મને હજી પણ યાદ છે. રાતના બે ત્રણ ક્યાં વાગી જતા, ખ્યાલ જ ન આવે.

શ્રાવણ મહિનાની બળેવ એટલે કે પૂર્ણીમાનો દિવસ, રક્ષા-બંધનનો દિવસ, બ્રાહ્મણોનો જનોઇ બદલવાનો દિવસ, ગામના બધાજ બ્રાહ્મણો જગદીશ આશ્રમના ચોગાનમાં ગોળ કુંડાળુ બનાવી ફરતા ગોઠવાઇને બેસીજાય, વચ્ચે  જયંતી ભાઇ શુક્લ નું આસન હોય, બધા બ્રાહ્મણો પોતાના જેટલા દિકરાઓને જનોઇ આપી દીધી હોય ( જનોઇ પહેરતા હોય ) તેવા દિકરાઓને સાથે લઇને આવ્યા હોય. બાજુમાં બેસાડીને જનોઇ બદલવાની વિધી ચાલતી જાય તેમ બાળકોને પણ સમજાવતા જાય. જયંતી ભાઇ શુકલ એટલે જયંતી દાદા. જનોઇ બદલવાની વિધી વાંચતા જાય અને સુચનાઓ આપતા જાય ” તરભાણા માં પાણી ભરો, દર્ભ હાથમાં રાખી તર્પણ કરતા જાવ, હું જે બોલું તેને ધ્યાનથી સાંભળ જો, તર્પણ ફક્ત મૃત વ્યક્તિ માટે હોય છે. પ્ર પિતામહ બોલે એટલે હું મારા બાપુજી સામે જોતો. મારે કરવાનું ? પિતાજી માથુ ધુણાવી હા પાડતા. …. પોતના પિતા…. એટલે પિતાજી મને ના પાડતા, તારે નહિં.. પોતે ચાલુ રાખતા, કારણ મારા દાદા ન હતા. વિધી પતે એટલે બધા બ્રાહ્મણો ઉઠીને સામે જ નદી હતી, નદીમાં બધા એક સાથે ન્હાવા જાય. જાણે ગંગા નદીમાં સ્નાન કરતા હોય તેવો તિર્થ સ્થળ જેવો અનુભવ થતો. પછી આશ્રમમાં બ્રહ્મ ભોજન થાય.. આજે ફાઇવ સ્ટાર હોટલમાં જમુ તોય તે જમણનો સ્વાદ ભુલાય તેવો નથી.

શ્રાવણ મહિનામાં મોટા-મંદિરમાં જન્માષ્ટમીના દિવસે, એટલે કે રાત્રે કૃષ્ણ જન્મ ખુબજ ધામ ધુમથી થાય રાત્રે બાર વાગે એટલે ગામનો માનવ મહેરામણ લહેરાવા માંડે, હાથી ઘોડા પાલખી, જે કનૈયા લાલકી…. નંદ ઘેર આનંદ ભયો..ભરવાડ કોમના જુવાનીયાઓ ગોકુળના ભરવાડો જેવો પહેરવેશ પહેરીને ટોળે ટોળા આવે નાચે…. હાથી ઘોડા પાલખી…જે કનૈયા લાલકી… ગામ આખું જાણે ગોકુળ બની જતું. મોટા મંદિરમાં શ્રાવણ મહીનામાં નળ સરોવર બાજુના વિસ્તારના ગામના પઢારીયા કોમનું ગ્રુપ આવતું અને બધા હાથમાં કર્તાલ લઇને કંઇક ગરબા જેવું લાગે તેમ અલગ અલગ કરતબ કરતા જાય અને ભજન ગાતા જાય. આજે પણ યાદ કરું છું તો લાગે છે કે આ કોઇ નવીજ જાતનુ  લોકકલા પ્રદર્શન હતું.

ક્યારેક રામલીલા કરવાવાળા આવે, મોટા મંદિરના પગથીયા પાસે અને મ્યુનીસીપાલટીની ઓફીસના મેદાનમાં, જ્યાંથી નદીમાં ઉતરવાનો દરવાજો છે ત્યાં, રામલીલા વાળા રાત્રે જમાવટ કરે. લોકો ખાઇ પી વાળુ કરીને છોકરા છૈયા લઇને નીચે જ જમીન પર બેસીને ગોઠવાઇ જાય. રામલીલાના પ્રસંગો ચાલતા જાય એક આજે તો બીજો કાલે. દશેક દિવસનો પ્રોગ્રામ ચાલે. દિવસે રામલીલાની મંડળી મોટા-મંદિરના ઓટલા ઉપર જ તંબુ તાણીને રહે, તેઓનુ ન્હાવા ધોવાનું ભોજન બનાવવાનું આવા બધા કાર્યક્રમો ચાલતા હોય. અમારા જેવા બાળકો ટાઇમ કાઢીને ત્યાં રામ લક્ષ્મણ સવારે કેવા ડ્રેસમાં હોય છે તે જોવાની કુતુહલતા સાથે આંટા માર્યા કરે. જઇને જોઇએ તો જે રામ બન્યો હોય તે ડોલ લઇને મ્યુનીસીપાલીટીની ટાંકીના નળે પાણી ભરવા ગયો હોય તો રાવણ બન્યો હોય તે શાક સુધારતો હોય, અમારા ગામની એક છોકરીતો રામના પ્રેમમાં પડી ગઇ હતી. રામ સાથે પલાયન થઇ જવાની પણ તૈયારી થઇ ગઇ હતી, પછી કોણ જાણે શું થયું પણ આ દુર્ઘટના બનતા બનતા રહી ગઇ એટલી ખબર છે. બહુ નાના હતાં એટલે આવી બધી બાબતમાં રસ ઓછો પડતો.

હવે આગળ મંદિરો વિષે. હરેશ્વર મંદિર,તેના ચોગાનમાં આદર્શ હાઇસ્કુલ, બ્રાહ્મણની બોર્ડીગ ( આજે આપણે જેને હોસ્ટેલ કહીએ છીએ ) બાજુમાં બ્રાહ્મણની ભોજન શાળા, જ્ઞાતીના ભોજન સમારંભો, જમણવાર.  યાદ કરતાજ દાળ ભાત શાક અને વાલની સોડમ આવવા લાગે છે. બ્રાહ્મણો હોય અને લાડુ ન હોય તે કેમ બને !  ખાલી સમયમાં આ ભોજન શાળા નાટક કંપનીઓને ભાડે અપાતી. નાટકો કેવા ? ” વીર માંગડા વાળો “.  ” સેતલને કાંઠે “, કુંવર બાઇનું મામેરૂ ”   અત્યારની પેઢી પચાવી ન શકે તેવા નાટકો. જાદુગર “કે.લાલ ” પણ આજ ભોજનશાળામાં સ્ટેજ બનાવીને જાદુના પ્રયોગો કરતા. મારા નસીબ થોડા ખરાબ કહેવાય કારણકે મને ઘરેથી કે.લાલ જાદુગરના શો જોવા જેટલા પૈસા મળે તેવી શક્યતા ન હતી.

IMG-20160526-WA0012

ભોજન શાળાનો મુખ્ય દરવાજો સ્ટેશન રોડ પર પડે એક બાજુ પોસ્ટ ઓફિસ અને બીજી બાજુ અમારી હાઇસ્કુલ, જ્યાં અમે ભણતા પણ ભણીને શું બનશું એવું ક્યારેય કોઇ વિચારતા નહિં કે ક્યારેય કેરીયર વિષે ચિંતા કરી હોય તેવું યાદ નથી. જિંદગીમાં સૌ ગોઠવાઇ જ જતા હોય છે એવી ધરપત. હું તો લગભગ ઠોઠ નિશાળીયામાં જ મારી જાતને ગણતો ૩૫% ટકામાં પાસ થઇ જવાય, નાપાસ ન થવા જોઇએ,એથી વધારે કોઇ ટાર્ગેટ જ નહિં. મારા એક ટીચર લાભશંકર

  

IMG-20160526-WA0001

જોષી મને કોઇક સવાલના જવાબ ન આવડે એટલે ટોન્ટ મારતા ” બાપુજીનો ધંધો છે ને બ્રાહ્મણીયું કરવાનો અને લોટ માગી ખાવાનો, થોડીવાર માથુ ખંજવાળીને પછી બેસી જતો અને માસ્તરનો ટોન્ટ પણ ભુલી જતો.

sankeda

આગળ તળાવ તરફ જાવ એટલે જશયેશ્વર મહાદેવ. હવેલી શેરી એટલે મારી શેરી, હવેલીનું કૃષ્ણ મંદિર, અને એટલેજ મારી શેરીનું નામ હવેલી શેરી, સૌ પહેલા જો હવેલી સંગીતની ઝલક સાંભળવા મળી હોય તો આ મંદિરમાં. મોટા ભાઇ તરીકે જાણીતા એક વૃધ્ધ મુખ્યાજી પણ સ્વભાવે ખુબજ કડક, તંબુરો કે સીતાર જેવું લાંબુ વાજીત્ર વગાડીને હવેલી સંગીત ગાતા સાંભળેલા, કંઇ પલ્લે પડતું ન હતું પણ એટલી ખબર પડતી કે તે જે ગાય છે તે હવેલી સંગીત છે. અમારી શેરી માંથી  શાક માર્કેટ તરફ જાવ એટલે  મહાકાળીનું  મંદિર, સામે જ સંઘાડીયાની દુકાનો. નવી પેઢી માટે આ શબ્દ  ન સમજાય તેવો છે. સંઘાડીયા એટલે એવી કોમ જેમનો બાપદાદાનો સ્પેશીયલ ધંધો, લાકડાને નેરણી પર ચડાવી ( ઇલેક્ટ્રીક મોટરથી ચાલતી ધરી ) લાકડું ગોળ ગોળ ફરે અને સંઘાડીયો કારીગર પોતાના ઓજારથી લાકડાને અલગ અલગ ઘાટ આપે ( જેમ કુંભાર ફરતા ચાકડા ઉપર માટીના લોંદાને અલગ અલગ ઘાટ આપે તેમ ) પછી તૈયાર થઈ ગયેલા ઘાટીલા લાકડાને ફરતુ રાખીને જ તેના ઉપર રંગ ચડાવે. આ બધું વિસ્તારથી એટલા માટે લખ્યું છે કે આ આખી પ્રક્રીયાને જોવાની અને માણવાની મજા જ કંઇક ઓર હતી અને અમને નસીબ થઇ હતી. સંઘાડીયાએ બનાવેલી વસ્તુના નામ આપું એટલે કદાચ નવી પેઢીને આખી વાતનો ખ્યાલ આવી જશે. ઘોડીયા, વેલણ, સંખેડાના ફર્નીચર જોયા હોય તો ખ્યાલ આવે. લાકડામાંથી બનવેલા ગોળ ગોળ પાયા વાળી ખુરશીઓ વિગેરે.

મહાકાળીના મંદિરમાં નવરાત્રિ વખતે દાંડીયારાસ રમવાવાળા  ગ્રુપ સારુ રમતાં અમે સ્પેશીયલ જોવા માટે જતાં. શાક માર્કેટ તરફ આગળ વધો એટલે  મહાલક્ષ્મીનુ મંદિર, ખંધારપા શેરીથી પાછળ કડીયા શેરીમાં રામજી મંદિર, મોચીવાડના નાકે એક માતાજીનું મંદિર, ટાવર પાસે બહુચરાજીનું મંદિર, આ મંદિરના પુજારી કનુભાઇ દાઢી બાઢી રાખે, પોતે કોઇક બાવાઓની મંડળી સાથે ઘર છોડીને ભાગી ગયેલા, વળી પાછા આવીને સંસાર માંડેલો લગ્ન કરેલા, આવી વાતો સાંભળેલી તેવું યાદ છે. આ લખવાનું કારણ એ કે તેઓ જે બાવાની ટોળી સાથે ભાગી ગયેલા ત્યાંથી માટીની વિશાળ કાય મુર્તિઓ બનાવતા શીખી ગયેલા, જે કળાનો લાભ ગામને નવરાત્રિના દિવસોમાં જોવા મળતો, મહાભારતના દ્રશ્યો, કાળીમાતાના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો, આમ દર વર્ષે નવા નવા દ્રશ્યોની મુર્તિઓ બનાવતા. નવરાત્રિમાં આ બહુચરાજીનું મંદિર બહુ મોટુ આકર્ષણ બની રહેતું. તેમની બનાવેલી મુર્તિઓના દ્રશ્યો  કુતુહલથી લોકો જોવા ઉમટ્તા.

લીંબડીમાં જૈન ઉપાશ્રયો, જૈન દેરાશરો પણ ભવ્ય છે. મારા મિત્રો જૈન  હતાં એટલે હું પણ જૈન સંસ્કૃતીથી ખુબજ પરિચીત છું. મિચ્છામી દુકડમ કહેવાનું નાનપણથી જ શીખેલો. પ્રતિકમણ કરવા જતા મિત્રના ઘરના મેમ્બરો, ઉઘાડા ડિલે ઉપવસ્ત્ર અને ધોતી પહેરીને ચાંદીની નાની પેટીમાં પૂજાનો સામાન લઇ  દેરાશર જાતા મારા મિત્રોના પિતાજીઓ, આ બધા દ્રશ્યો મને યાદ છે. એક વાત મને પાક્કી યાદ છે. જૈનોના એક સાધુ મહારાજ કાળ ધર્મ પામ્યા હતા અને તેમની ભવ્ય અંતિમ યાત્રા નીકળેલી. મારા એક જૈન મિત્રના ઘરે હું રમવા જતો હતો, તેમની શ્રધ્ધા અને માન્યતા પ્રમાણે તેમની અગાશીમા અમી છાંટણા થયા તે મને દેખાડેલા, ચંદનના છાંટણા જાણે વરસાદ સાથે થયા હોય તેમ અગાસીનો કઠેડો પતરાનો હતો અને તેના પર મને રીતસર ચંંદનના છાંટા દેખાયા હતાં, નાનપણમાં તર્ક કુતર્ક કરવા જેટલી બુધ્ધી તો હોતી નથી એટલે કેટલી શાંતીથી દરેક વાત સ્વિકારી શકાય છે !

મારા ઘરની સામે જૈન પડોશી હતા સૌકા ગામના હતાં એટલે સૌકા વાળા તરીકે ઓળખાતા, તે કુટુંબની એક દિકરીએ જૈનધર્મની  દીક્ષા લીધેલી. પડોશમાં જ રહેતી મોટી બહેન જેવી છોકરી એકાએક ધાર્મિક બની અને સફેદ વસ્ત્રો ધારણ કરી સંસાર ઘરબાર અને કુટુંમ્બીઓને છોડીને ચાલી નીકળે ત્યારે કેવો અનુભવ થાય ? તે ઉમરમાં નાના હતા છ્તાય સમજી શક્યા હતાં. આમ તો દીક્ષા લેવાના પ્રસંગો મે લીંબડીમાં ઘણા જોયેલા. અને દિક્ષા લેનારાઓની ભવ્ય શોભાયાત્રાઓ પણ જોયેલી. ખરેખર લીંબડીની જેટલી વાતો યાદ કરીએ તેટલી ઓછી છે.

t1

લીંબડીનો ટાવાર એટલે લીંબડીનું સૌથી મોટુ અને જાણીતુ લેન્ડમાર્ક, લગભગ લીંબડીને ખુણે ખુણેથી દેખાય, રજવાડાના સમયમાં આવા સ્થાપત્યો બનાવવા એ એક શાન હતી. એવી લોક વાયકા સાંભળેલી કે લંડનના બિગબેંંન  ટાવરની કોપી બનાવવાનો પ્રયાસ કરાયો હતો અને આવો ટાવર બીજે ક્યાં ન બને એટલે તે બનાવનાર કારીગરના હાથ કાપી નાખવામાં આવ્યા હતાં. જોકે આવી કથાઓ તો નાનપણમાં સાંભળેલી દંતકથાઓથી વિષેશ કંઇ નહિ હોય તેની મને ખાત્રી છે. પણ આ એક તાજ્જુબ થાય તેવી વાત છે કે બાળપણ આવી દંતકથાઓની ભરમારથી ભરેલું રહેતું. કદાચ સાચી વાતો કોઇ કરવાનો રસ ન લેતું કે પછી અમેજ અમારી દુનિયાના માલિક હતાં.

લીંબડી છોડીને જિંદગીની નવી રાહ ગોતવા અમદાવાદ ગયા પછી ગમતું નહતું, જ્યારે જ્યારે મોકો મળે ત્યારે લીંબડી આવી જવાનું બહાનું ગોતતા રહેતા. દિવાળી કે બીજા વાર તહેવારે અમદાવાદથી લીંબડીની બસ પકડી લેતા. અમદાવાદથી આવતા હાઇવે પર બસમાં બેઠા બેઠા ટાવર દેખાવાની રાહ જોયે રાખતા. સાત આઠ કિલોમિટર દૂરથી લીંબડીના ટાવરનું ટપકા જેવડું કંઇક દેખાય અને મનમાં લીંબડી નજીક જઇ રહ્યાનો આનંદ વધતો જાય. પછી ટાવર ધીરે ધીરે ખુલતો જાય અને પૂર્ણ રૂપે પ્રગટ થાય એટલે લીંબડી પહોંચીગયાનો અહેસાસ થાય. जननी जन्म भुमिश्च स्वर्गात् अपि गरियसी । આ તો હું જ અનુભવી શકું.

ટાવરના રજવાડી પરિસરમાં લીંબડીની કોર્ટ છે. મામલતદારની ઓફીસ છે. ટાવરની નીચેનો હોલ રામક્રૂષ્ણ
મિશનને અર્પણ કરેલ છે. લીંબડીનો ટાવર લીંબડીની શાન છે.

સ્ટેશનથી જે રસ્તો આવે તે સીધે સીધો ટાવર સુધી જાય, સીધી ઉભી બજાર, બજારની એક સરખી બાંધણી, બન્ને બાજુ એક જ  ડીઝાઇનની બાંધણી, કોઇ શહેરમાં ભાગ્યે જ જોવા મળે. જાણે કોઇ નાટકનો સેટ ઉભો કર્યો હોય તેવું

l-1
ગ્રીન ચોક પર સર જસવંતસિંહજીનું સ્ટેચ્યુ

લાગે. ગ્રીન ચોક એટલે ગામનો ચોરો કે નાકુ જે કહો તે, ગ્રીન ચોક નામ કેમ પડ્યું હશે તે વાતનું આશ્ચર્ય છે. ચોક વચ્ચે ફુવારો ( ફાઉન્ટેન ) અમે લીંબડી વાળા બહુ અંગ્રેજી શબ્દો વાપરતા નહિં.ફુવારા વચ્ચે  સર જસવંતસિંહજીનું આરસપાણનું જાજરમાન સ્ટેચ્યુ, જે લીંબડી ગામના રાજા હતા. રાજા રજવાડાનો સમય તો વિતી ગયો હતો પણ આ સ્ટેચ્યુ જોઇને રાજાઓ કેટલા ભવ્ય અને જાજરમાન લાગતા હશે તેનો અંદાજ આવી જાય.  ગ્રીન ચોક થી રેલ્વે સ્ટેશન જવાનો મ્યુનિસીપાલીટીનો ખટારો ઉપડે (આગળ બોનેટનું મોઢીયું હોય તેવી બસ, જેને ગામ આખું ખટારાથી જ ઓળખે ) ૧૯૫૨ મા મારો જન્મ, હું સમજણો થયો ત્યારથી આ વ્યવસ્થા જોતો આવ્યો છું. સ્ટેશન સુધીની પેસેન્જરો માટે  ટ્રાન્સ્પોર્ટની વ્યવસ્થા જ બતાવે છે કે મારુ ગામ તે વખતે પણ કેટલું એડ્વાન્સ હતું. લીંબડી સ્ટેશનથી મીટર ગેજ લાઇન પર સુરેન્દ્રનગરથી

lmbdi-9
લીબડીની બજાર

ભાવનગર માટે ટ્રેઇન ચાલતી આખા દિવસમાં ચાર ટ્રેઇનો ચાલતી, સવારે એક ટ્રેઇન ચાલતી તેનુ નામ લોકલ, બીજી બપોરે આવતી તેનું નામ મેઇલ, ત્રીજી સાંજે જાય તેનું નામ ફાસ્ટ અને રાત્રે એક ૧૧ વાગ્યે આવતી તેનું નામ મીક્ષ. આ બધી ટ્રેઇનોના નામ છે, જે આ નામે જ ઓળખાતી. આશ્ચર્ય લાગે તેવા નામકરણ લાગે ને ?  આ જ નામ હતાં. બસ આ ચાર ટાઇમ માટે ગ્રીનચોકમાં સ્ટેશને જવા માટે ખટારો ( બસ )ઉભો હોય.

gh0d

રીક્ષાઓનો પ્રવેશ હજી ગામમાં થયો ન હતો. ઘોડાગાડીઓ ચાલતી, તે પણ ગણી ગાંઠી, આખા ગામની મળીને આઠ દશ ઘોડાગાડીઓ માંડ હશે. તેમાય અમુક ફેમિલી ના ઘોડાગાડી વાળા નક્કી હોય. અમારી ફેમિલીનો ઘોડાગાડી વાળો નક્કી હતો, પોપટ ભાઇ તેમનું નામ, બીજે તો ક્યાંય જવાનું બને નહિં, પણ વેકેશન પડે એટલે મામાના ઘરે સૌ કોઇ જતા, તે જમાનો એવો હતો કે મામાને ઘરે આખો મહિનો વેકેશન ગાળવા જઇ શકાતું. અમારૂ મોસાળ બોટાદ હતું. બોટાદ જવાનો પ્રોગ્રામ હોય એટલે સવારની લોકલ પકડવાની હોય. આગલે દિવસે પોપટ ભાઇને ઘરે જઇ ને કહી આવીએ કે કાલે લોકલમાં જવાનું છે એટલે પોપટ ભાઇ બરાબર ટાઇમ સર ઘર પાસે ઘોડાગાડી લઇ ને આવી જાય. અમે તો ઉત્સુકતાથી તૈયાર થઇને ઘોડાગાડી આવવાની રાહ  જોઇને બેઠા હોઇ. સામાન મુકાઇ જાય બંધ બારણા વાળી ઘોડાગાડીઓ હતી, બધા અંદર બેસે, હું આગળ બેસવાની જીદ કરૂ. જુની હિન્દી ફીલ્મોમાં જેમ હીરો આગળ બેસે તેમ ઘોડાગાડીના ચાલક પોપટ ભાઇ પાસે. સ્ટેશન સુધીની ઘોડાગાડીની સવારી બહુ રોમાંચક લાગતી.

trn

પછીનો રોમાંચ શરૂ થતો ગાડીનો ( ટ્રેઇન ) આગગાડી, કારણકે કોલસાથી ચાલતી, લાંબુ, કાળૂ ડીબાંગ અને ભવ્ય ગાડીનું એન્જીન, મોટા વ્હીલ, અને તેનો અવાજ, તેની કાન ફાડી નાખે તેવી વ્હીસલ, તેના કાળા ડીબાંગ ધુમાડા, વરાળ છોડે ત્યારે સફેદ વાદળો ફુંકાતા હોય તેવું ખતરનાક ગર્જના કરતું એન્જીન, દશેક મિનીટ તો કાન બંધ કરી દેવા પડે અને વરાળના ગોટે ગોટા, થોડીક વાર તો એન્જીન પણ દેખાતું બંધ થઇ જાય.તેની ભઠ્ઠીમાંથી આવતી પત્થરીયા કોલસાની સ્પેશીયલ જાતની ગંધ, આ બધું રોમાંચિત કરી દેતું, તે ઉમર જ આવા રોમાંચો માણવાની હતી. ઉપર લખેલ ગાડીનું સ્વરૂપ નવી પેઢીને હવે ફક્ત મ્યુઝીયમમાં જ જોવા મળશે. અને હવે ગાડી શબ્દ

l10
લીંબડીનું સ્ટેશન

બોલવાથી તેનો મતલબ કાર સમજવામાં આવે છે. ત્યારે ટ્રેઇન શબ્દ હજી બોલચાલના વ્યવહારમાં આવ્યો ન હતો. ગાડી આવવાની વાર હોય એટલે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ઉભા ઉભા, જ્યાં સુધી દૂર દૂર ગાડીના પાટા દેખાતા બંધ થાય ત્યાં સુધી જોયા કરતા. પછી એકા એક થોડા ધુમાડા દેખાય પછી કાળુ ટપકા જેવું એન્જીન અને થોડીક મિનીટોમા તો ખડખડ ખટાકા બોલાવતી ગાડી હાજર થઇ જાય, સામાન લઇને જલદી જલદી જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઇ જવાનું( તે જમાનામાં રેલ્વેમાં સીટ રીઝર્વેશન કરાવાની પ્રથા હજી શરૂ નહોતી થઇ) .

સ્ટેશનથી ગામ તરફ આવો એટલે રસ્તામાં ઓઇલ મિલો આવે, હતી નાની નાની અને બે ત્રણ જ, શીંગદાણા પીસીને તેલ કાઢતા હશે, કારણકે તેલની ગંધ ઉપરથી તેવું લાગતું અને તેની દિવાલો, છાપરા બધું જ તેલ તેલ લાગતું. જ્યારે જ્યારે છાપામાં તેલીયા રાજા સંબોધીને મોંઘવારીની વાતો ચર્ચાતી ત્યારે મારા મગજમાં આ તેલથી ગંદી થયેલી મિલો નજરે ચડતી. મોંઘવારી તો આ દેશને છેલ્લા સાંઇઠ વર્ષોથી ડાકણની જેમ વળગેલી છે. ત્યારે તો  ચાલીસ પચાસ રૂપિયામાં આરામથી ઘર ચાલતું તોય મોંઘવારી શાને કારણે લાગતી ? સમજાતું નથી.

l2
લીબડી ના કુંવર ભરતસિંહજી

આગળ ચાલો એટલે અમારા ગામના દરબારના બંગલાઓ આવે. સર જસવંતસિંહજીના વંશજો, એક હતા લગ્ધીરસિંહજી, ઉપનામ લાલજી બાપુ, એક હતા બચુદાદા તેઓ તો સારા પાઇલોટ પણ હતાં, તેમના બંગલાની સામે મોટું મેદાન હતું, ત્યાં પતરાનું મોટું ગેરેજ હતું તેને વિમાન છાપરી કહેતા અને ખુલ્લા મેદાનને એરોડ્રામ કહેતા, કોઇક વખતે તેમની પાસે નાનું ટુ સીટર પ્લેન હતું તેવું સાંભળેલું જોકે અમે કોઇ દિવસ જોયુ ન હતુંં. એક હતાં ભરતદાદા, ભાઇ ભરતદાદાનો તો વટ જ કંઇક ઓર હતો. શોલે ફિલ્મના ગબ્બરસિંહ જેવો જ  મિલ્ટ્રી કલરનો ડ્રેસ, દાઢી, ખુલ્લી જીપ, ગામમાં આંટો મારે એટલે કોઇ ફિલ્મનું દ્રશ્ય જોતા હોય તેવું લાગે. તે વખતે રજવાડાના દરબારોએ રાજકારણમાં  ભાગ લેવાનું શરૂ કર્યુ હતું. કારણ કે ભવિષ્યમાં કોઇ સરકાર એવી ન આવવી જોઇએ કે તેમણે સરકાર તરફથી મળતા છાલિયાણા બંધ થઇ જાય. પણ ઇતિહાસ બની ગયો, ઇન્દીરા ગાંધીએ તે બંધ કરાવી દીધા. ભરતદાદા એક સારા ચિત્રકાર હતા તેવું સાંભળેલું. તેમના ચિત્રો મુંબઇ  આર્ટગેલેરીમાં પ્રદર્શીત થાતા તેવું ધ્યાનમાં છે.

ગામ તરફ આગળ વધો એટલે ક્રીકેટનું મેદાન, ગરાસીયા બોર્ડીંગ, પોસ્ટઓફિસ, રોડની એક તરફ મિડલસ્કુલ, બીજી તરફ હાઇસ્કુલ. મિડલસ્કુલમાં ભણતા ત્યારે મારા મિત્ર ભુપેન્દ્રના પિતાશ્રી મનસુખ ભાઇ વોરા હેડમાસ્તર હતાં, વોરા સાહેબ તરીકે પ્રખ્યાત .તેમની છાપ બહુ કડક અને સિધ્ધાન્ત વાદી હેડમાસ્તર તરીકે હતી. હું મારા મિત્ર ભુપેન્દ્રના ઘરે જતો ત્યારે તેમના સાથે બીતા બીતા વાત કરતો, સ્કુલની કડક છાપ મારા પર છવાયેલી રહેતી.

ગામમાં ઘણા શિક્ષકો પોતાના વિષેશ નામથી ઓળખાતા, ખાસ કરીને તેમના નામ પાછળ માસ્તર વિષેશણ જોડાતું. દલપત ભાઇ માસ્તર ખાસ લુક ધરાવતા ,દાઢી રાખતા અને જવાહર લાલ નહેરુ ટાઇપ ડ્રેસ પરિધાન કરતા અને પોતે એકદમ દેશભક્ત હોય તેવો દેખાવ લાગતો, પંદરમી ઓગષ્ટ કે છવીસમી જાન્યુઆરીએ તો તેમનો લુક જોવા જેવો હોય, જાણે હમણા જ  દિલ્લી જવા રવાના થશે તેવું લાગે. હાઇસ્કુલમાં એક બીજા શીક્ષક પણ દલપત માસ્તર નામ વાળા હતાં, સાવ સીધા સાદા, લેંઘો અને ઉપર કોટ, તેમનાવિષે કંઇજ લખી શકુ તેવુંં યાદ નથી આવતુંં પણ એકદમ સીધા.હા એક વસ્તુ યાદ આવે છે કે તેમના કોટનો રંગ હમેશા બદામી રહેતો. એક હતા ભવાની માસ્તર, એકદમ સાદા લેંઘો અને કોટ પહેરે, પાછળ બેઠેલા  વિદ્યાર્થીઓ ચાલુ ક્લાસે છાનામાના તેમની ટીખળ કર્યા કરે, બ્લેક બોર્ડ તરફ મોઢું  હોય એટલે કોણે ટીખળ કરી તે ખબર ન પડે, પછી આગળની બેન્ચમાં બેઠેલાઓમાં જે વિદ્યાર્થી હસતો નજરે ચડે તેને ઢીબી નાખે, ક્લાસ રૂમમાં પાછું હસવાનું મોજું ફરી વળે, ત્યારે એવા ધુંવાપુંવા થાય ને કોમેડિ વધતી  જાય અને તેમનો સીન જોવા જેવો થાય.

શ્રી ડેલીવાળા સાહેબ

એક ટીચર હતા ડેલીવાળા સાહેબ,   સાયન્સના  ટીચર, તેઓ મુંબઈ કે અમદાવાદ કોઇ સારુ ઈંગ્લીશ પીક્ચર જોઇને આવ્યા હોય તો તે પિક્ચરની સ્ટોરી આખે આખી આબેહુબ વર્ણન કરી અને ક્લાસમાં કહે, ક્યારેક બેત્રણ પિરીયડ સ્ટોરી કહેવામાં નીકળી જાય, પણ મને યાદ છે કે ૧૯૬૫ કે ૧૯૬૬ માં કીધેલી સ્ટોરી મને અક્ષર સઃહ યાદ રહે અને ” ગન્સ ઓફ નેવરોન ” નામનું પિક્ચર મે મુંબઇમાં આવ્યા પછી છેક ૧૯૮૬ માં પહેલી વખત જોયું અને મને આખે આખી સ્ટોરી ડેલીવાળા સાહેબે કીધી હતી એજ દ્રશ્યો જોવા માળ્યા, તેમની વર્ણન શક્તીને દાદ દેવી પડે.

્શ્રી લાભશંકર જોષી ( ટીચર )
શ્રી વિષ્ણુ ભાઇ મહેતા ( ટીચર )

એક હતા જદુરામ માસ્તર, એકદમ ભારે શરીર, આમ જુવો તો તેઓ કોઇ શાળાના માસ્તર ન હતા પણ તેઓ હોમગાર્ડના કમાન્ડર હતાં, એક દમ મિલટ્રી મેન. તેમની ગણતરી માસ્તરમાં કેવી રીતે થઇ ગઇ ખબર ન પડી ! લાભશંકર માસ્તર, કોટ અને લેંઘો પહેરે પણ  .બીજા માસ્તરો કરતા એક દમ સુઘડ અને અલગ જ લાગે તેવો પહેરવેશ, યુરોપિયન જેવો ગોરો વાન, કડક ખરા પણ ગુસ્સે ન થાય, બસ ટોન્ટ મારે અને વિદ્યાર્થીઓ તેમના ટોંન્ટથી ડરતા. મને તો અવારનવાર એક જ ટોન્ટ મારતા ” દિનુ આપણે ભણીને શું કામ છે ? બાપુજીનો ધંધો છે ને ગોરપદુ કરવાનો ? પોતે રાજ દરબારના બંગલે ટ્યુશન લેવા જતા એટલે તેમનો માન મર્તબો કંઇક ઓર જ હતો. બીજા એક લાભુ માસ્તર, પણ નામ તો જુઓ કેટલું આશ્ચર્ય પમાડે તેવું, તેમને બધા લાભુભાઇ વિદ્યાર્થી નામે જ ઓળખે, બોલો પોતે માસ્તર અને ઓળખે બધા વિદ્યાર્થી તરીકે. આમ લીંબડીમાં માસ્તરોથી ઓળખાતા શિક્ષકો ની વણઝાર હતી. ખુબીની વાત એ હતી કે અડધાથી ઉપર માસ્તરોનો ડ્રેસ કોટ અને લેંઘો જ હતો.  

શ્રી વિષ્ણુભાઇ માસ્તર , ગુજરાતીના ટીચર અને પોતે સારા એવા લેખક પણ, તેમના ઘણા બધા પુસ્તકો તે વખતે પણ પ્રકાશીત થયેલા તે યાદ છે.  આવા આવા મહાનુ ભાવો અમારા ગુરુજી હતા તેનો  આજે પણ ગર્વ અનુભવાય છે. આજની પેઢીને ગુરૂભાવ ઉત્પન થાય તેવા ટીચરો નસીબમાં હશે  કે નહીં તે  વિચાર આવે ખરો.

IMG-20150810-WA0005
ગ્રીનચોકનું વિહ્ગમ દ્રશ્ય

ગ્રીન ચોકમાં આવો એટલે કનુભાઇ દાઢીની પાનની દુકાન, સાધુ જેવો દેખાવ લાગે, ગ્રીનચોકમાં જ  લોટ દળાવાની ઘંટી, હું સાયકલ પાછળ કેરીયર ઉપર ઘઉં દળાવા જાઉં અને ઘંટીના માલિક ત્રાજવા ઉપર ડબ્બો રાખે અને તોલે, જે તોલ માપ થાય તે ચીઠ્ઠીમાં લખીને ડબ્બામાં નાખે, જ્યારે દળાયેલા ઘઉંનો લોટ લેવા જાવ ત્યારે ચીઠ્ઠી કાઢી અને ડબ્બો તોલે અને જે વધઘટ હોય તે લોટ ઉમેરીને કે કાઢીને એડજેસ્ટ કરે. પણ ઘંટીના માલિક સહિત જેટલા લોકો કામ કરવા વાળા હોય તે બધા લોટ લોટ હોય, માથામાં લોટ, ચહેરા ઉપર લોટ, કપડા લોટ લોટ, હાથે પગે બધે લોટ, મને ક્યારેક એમ થતું કે આમાંથી કોઇ સાફ સુથરો નાહી ધોઇને સારા કપડામાં સામે મળે તો ઓળખી ન શકુંગ્રીનચોકમાં સર જસવંતસિંહજી લાઇબ્રેરી હતી. ભવ્ય લાગતી, કારણકે ગોળ ગોળ પહોળી સીડી હતી અને ઉપર પહોંચો એટલે મોટો હોલ હતો જે રાત્રે નાટકો વાળાને ભાડે પણ અપાતો, જ્યારે નાટકો વાળાને ભાડે અપાયો હોય ત્યારે દિવસે લાઇબ્રેરી ચાલુ હોય, પ્રેક્ષકો માટેની ખુરશીઓ જેમની તેમ જ ગોઠવાયેલી પડી હોય. સ્ટેજ, તે લોકો રાત્રે તૈયાર કરી નાખતા હશે. મને આ લાઇબ્રેરીનો લાભ ખુબજ મળ્યો કારણ કે મારી શેરીમાં જ રહેતા હવેલીના મુખ્યાજી પરિવારના ગોપીદાસ ભાઇ તેના ગ્રંથપાલ હતા અને અમારો તેમની સાથે ઘર જેવો સંબંધ હતો. બીજી બે લાઇબ્રેરીઓ ગામને છેડે ઉંટડીના માઢ પાસે પાંજરાપોળ નજીક હતી. તે બન્ને જૈન સંપ્રદાય સંચાલિત હતી. જૈનોનો જ્ઞાન આપવાનો અભિગમ લીંબડીને બહુ લાભદાઇ રહ્યો. એક હતી લાધાજી ગ્રંથાલય, આ લાઇબ્રેરીના ગ્રંથપાલ પણ મારા પડોશી ગંભીર કાકા હતા જે મારો મિત્ર જીતેન્દ્ર હતો તેના કાકા થતા, એટલે અમે પણ તેમને કાકા કહીને જ સંબોધતા. બીજી લાઇબ્રેરી એટલે દેવચંદ્રજી લાઇબ્રેરી. મારી જિંદગીમાં વાંચનનો શોખ ઉમેરવામાં આ લાઇબ્રેરીઓનો ઘણો ફાળો છે. કારણ મારા માટે એકેય જગ્યાએ લાઇબ્રેરીની ફી ભરવાનો પ્રશ્નજ નહતો. પણ તે વખતે વાંચનના શોખમાં ઝગમગ છાપું જે બાળકો માટે હતું બાકી બકોર પટેલની વાર્તાઓ, જીવરામ જોષી કરીને બાલ સાહિત્ય લખનારા લેખક હતાં તેમની લખેલી બુકો, અડુકીયો દડુકીયોની ચિત્રવાર્તાઓ આવું બધું. જો કે છેલ્લે છેલ્લે વાંચનનું સ્તર ઉંચુ આવ્યુ હતું. મને યાદ છે કે ડેલ-કારનેગીની અનુવાદ કરેલી બુક, હાઉ-ટુ-ઇન્ફ્લુએન્સ પીપલ એન્ડ હાઉ ટુ મેઇક ફ્રેન્ડ, આવા કંઇક નામ વાળી બુક પણ વાંચી હતી. મુખ્ય વાતતો એ છે કે જિંદગી આખી વાંચનનો શોખ લીંબડીથી જ લાગેલો.

દેવચંદ્રજી અને લાધાજી લાઇબ્રેરીએ જવું હોય તો ટાવર પાછળ આવેલી કંસારા બજાર થઇ ને જવાય. આ કંસારા બજાર એટલે બજારની બન્ને બાજુ લગભગ કંસારાની ત્રીસેક દુકાનો હતી, અને ઠાક ઠાક, ઠાક ઠાક માથું કાણું થઇ જાય તેવો માટલા ઘડવાનો અવાજ એકે એક દુકાનમાંથી આવે. નવી પેઢીને આ દ્રશ્ય કદાચ જોવા નહીં મળે કારણ કે દેશ બહું આગળ વધી ગયો છે, ઘરે ઘરે પાણીની સપ્લાય માટે પાઇપ લાઇનો આવી ગઇ છે. પણ આ વ્યવસ્થા જ્યારે સુલભ ન હતી ત્યારે માટલા, બેડા અને હાંડીઓ ઘરે ઘરે આવશ્યક ગણાતા, પીત્તળ અને તાંબાના બનેલા માટલા અને બેડા લાકડાના બનેલા હથોડા વડે ઘડવા પડતા. આ બનાવટના કારીગરો એટલે કંસારા જ્ઞાતિ. બેડા અને માટલા હોય તોજ નદી નાળે કે કુવા તળાવેથી પાણી ભરીને લવાય. માથે બેડાની હેલ રાખી ને પાણી ભરીને આવતી પનીહારી હવે ઇતિહાસ બની ગઇ છે. નહિં તો પનીહારીના રૂપ અને તેના લહેજા ઉપર, તેની નજાકત ઉપર કવિઓ તો વારી વારી જતા. લોક સાહિત્યમાં પનીહારીની વાત ન હોય તો વાત સાવ લુખ્ખી લુખ્ખી લાગે.

ગ્રીનચોક પાસે સોની ડાક્ટરનું દવાખાનું હતું. સોની ડાક્ટર એટલે,  હતાં સોની પણ દાંતના ડોક્ટર, દુખતો દાંત કે ડાઢ પડાવવી  હોય તો આખા લીંબડીમાં પ્રાઇવેટ ડાક્ટર એક જ, એ જમાનામાંય એટલે કે આજ થી સાંઇઠ વર્ષ પહેલા પણ દાંતનું ચોકઠું બનાવવાની ટેક્નોલોજી મોજુદ હતી. મારા ખ્યાલથી ચોકઠાનું માપ લેતા અને બનાવવા માટે કદાચ સુરેન્દ્રનગર મોકલતા હશે. પણ તે વખતે લોકલ એનેસ્થેસીયા જેવી કંઇ શોધ થઇ ન હતી, જે  અત્યારના ડેંટીસ્ટ ઉપયોગ કરે છે. પેઢામાં ઇંજેક્શન આપે એટલે તે ભાગ બહેરો થઇ જાય. એટલે તે વખતે દાંત કે દાઢ પડાવવા જનારો દર્દી જાણે ફાંસીએ ચડવા જતો હોય તેટલો બીતો બીતો ઘરેથી નીકળે. સોની ડાક્ટરની ઓજારની પેટી ખુલે એટલે હાજા ગગડીજાય. હથોડી, પક્કડ, ચિપીઓ બાપરે ..બાપ, માણસ ઉંચો નીચો થઇ જાય, વળ ખઇજાય. લોહીના કોગળા કરવા પડે. ઘરે જાય એટલે ઘરનાએ તેના માટે પથારી તૈયાર કરી રાખી હોય. ખાવા માટે ગરમ રાબ કે શીરો બનાવીને રાખ્યો હોય. એક અઠવાડીયા સુધી તો ભાઇ માથુ પકડીને બેઠો હોય. જોનારને પુછ્યા વગર જ ખબર પડી જાય કે ભાઇ સોની ડાક્ટર પાસે દાંત પડાવીને આવ્યા લાગે છે.

ગામમાં બહુ ડોક્ટરો ન હતાં અને જરૂર પણ નહોતી તેવું લાગતું, લોકો બહુ બિમાર પડતા હોય તેવું યાદ નથી આવતું. ભાણાભાઇ કરીને ડોક્ટર તે અમારા ફેમિલી ડોક્ટર, મારી શેરીના નાકેજ તેમનું દવાખાનું. જ્યારે પણ કોઇ બિમાર પડે ત્યારે તેમની પાસે જઇએ. ઘરેથી ખાલી બાટલી લઇ જવાની એટલે લાલ રંગની દવા ભરી આપે, સવાર બપોર સાંજ લેવાની. બીજી જાતની કોઇ દવા આપી હોય તેવું યાદ નથી આવતુંં. પછી એક દવાખાનું ધીરૂભાઇ ડોક્ટરનું, થોડુંક મોટું હતું, લગભગ આજુબાજુના ગામડા વાળા ત્યાં વધારે આવતા એટલે ભીડ હોય. અમે લગભગ ક્યારેય ગયા નથી. બાકી એક હતા જાનીદાદા વૈદ અને બાકી ઘરઘરાઉ ડોશીમાનું વૈદુ જાણનારી ડોશીમાઓ.

ગામ આખું લગભગ તંદુરસ્ત રહેતું એવો મારો ખ્યાલ છે. એક સરકારી મોટી હોસ્પિટલ હતી, તે બહુ મોટી હતી અને જીલ્લા કક્ષાએ સારી હોસ્પિટલમાં ગણાતી. તેમા એક, ડો. બુચ હતા જે બાળકોના સ્પેશિયાલિસ્ટ ગણાતા, તેનો દિકરો અજય મારી સાથે ભણતો, તેજ હોસ્પિટલમાં પ્રતાપ ભાઇ રાજગુરુ કંમ્પાઉન્ડર તરીકે હતાં આજે તો આ ડીગ્રી નવી પેઢીને નહીં સમજાય પણ ડોક્ટરના લખેલા પ્રિસ્ક્રીપ્સન ઉપર દર્દીઓને દવા આપવાની, તેમને કેવી રીતે લેવાની તે વિગતવાર સમજાવવાનું નાના મોટા પાટાપિંડી અને ડ્રેસીંગ કરવાનું તેમજ દવાનો સ્ટોક મેઇન્ટેન કરવાનો વિગેરે જવાબદારી વાળી પોસ્ટ હતી. ડોક્ટર પછીની બીજી જવાબદાર વ્યક્તિ એટલે કમ્પાઉન્ડર ગણાતી અને આટલું બધુ વિગતવાર લખવાનું કારણ એ હતું કે શ્રી પ્રતાપ ભાઇ રાજગુરુનો દિકરો મનોજ પણ મારો ક્લાસમેટ હતો.

ગ્રીનચોકથી ટાવર બાજુ  જતા ગટોર ભાઇ સોડા વાળા ની દુકાન આવે, આખા ગામની પાનની દુકાને સોડા સપ્લાય કરે, સોડા ભરવાનું મશીન રાખે, આ બધું તે જમાનામાં સાહસ જેવું જ કહેવાય, લીંબડીના માણસો સાહસીક ખરા. ગલીના નાકે લાલા કંદોઇની દુકાન, ફાફડા ગાંઠીયા તો લાલા કંદોઇના જ, મારી શેરીના લોકો સવારે દાતણ કરતા કરતા થેલી લઇને લાલા કંદોઇની દુકાને ગરમ ગરમ ફાફડા લેવા લાઇન લગાવીને ઊભા હોય, મોહન ભાઇ કંદોઇ ફાફડા બનાવવાના કારીગર, જે અમારી સામેની ખડકીમાં રહેતા.  ગરમ ગરમ ફાફડા ઉતરતા જાય અને લાલા કંદોઇ વજન કરી કરીને આપતા જાય. લાલા કંદોઇનું આખુ ફેમિલી એક દમ હેલ્ધી ગોળમટોળ, તેમને કે તેમના છોકરાઓને જુઓ એટલે શેર લોહી ચડે.

શાક માર્કેટ બાજુ નીકળો એટલે ભરચક બજાર, ફળોની લારીઓ, ગોળ અને અનાજનું પીઠું,બાજુમાં જ એક ટોકીઝ જેને અત્યારે આપણે થીયેટર કહીએ છીએ નામ હતું સેન્ટ્રલ ટોકીઝ. પિકચરો જોવાની ઘરેથી બહુ છુટ મળતી નહી એટલે જ્યારે શાક લેવા જઇએ ત્યારે જે પીકચર લાગેલું હોય તેના પોસ્ટરો અને ફોટા લાગેલા હોય તે જોઇને સંતોષ માણતા. આગળ જાવ એટલે વ્હોરા બ્રધર્સ પાનની મોટી દુકાન, મને લાગે છે કે આવડી મોટી પાનની દુકાન લીંબડીમાં બીજી કોઇ નહોતી. બરફની પેટીમાંથી સોડા નીકળતી જાય, ફીસાંગ…. અવાજ કરીને ફુટતી જાય, લોકો સોડાની લહેજત માણતા જાય અને ગપ્પા મારતા જાય. બરફની પેટીમાંથી ઠંડક બાહાર આવે એટલે જાણે એર-કંડીશનમાં ઉભા હોઇએ તેવું લાગે. સામે જ તળાવનો ખુણો  છે અને સરોવરીયા હનુમાનજીનું નાનું મંદિર, પહેલા ત્યાં મંદિર નહોતું પણ ત્યાના આજુબાજુ વાળા દુકાનદારોને ખબર પડી કે કોઇએ આ તળાવનો ખુણો મ્યુનિસીપાલીટી પાસે થી ભાડે લીધેલ છે અને સરસ હોટેલ બનાવવાનો પ્લાન છે એટલે બધાએ ભેગા મળીને તીકડમ કર્યું, કોઇકને સ્વપ્નમાં હનુમાનજી આવ્યા છે એવું ગપ્પુ ચલાવીને સિંદુર ચોપડીને હનુમાનજી બેસાડી દીધા. આજની ઘડી સુધી મસ્ત મંદિર બનેલું મોજુદ છે.

તળાવની સામે પાર એક બીજુ તાળાવ છે તેનું નામ રાણી તળાવ, આનો મતલબ તમને એવો લાગે કે પહેલા તળાવનું નામ રાજા તળાવ હશે તો એ ભુલ ભરેલું છે, તેનું કોઇ નામ હોય તેવું યાદ નથી. બે તળાવ વચ્ચે રસ્તો છે, રાણી તળાવમાં વણલખ્યા નિયમ પ્રમાણે કોઇ પુરૂષ જાય નહીં. ફ્ક્ત સ્ત્રીઓ જ જાય, ન્હાય, કપડા ધુએ કે પાણી ભરે પણ ભુલથી કોઇ પુરુષ તે તળાવમાં ઉતરે નહીં. આ અમારા ગામની અજીબ સમજણ છે. ત્યાં ક્યાય નિયમ લખેલું બોર્ડ નથી છતા પણ આપોઆપ લોકો આ નિયમને અનુસરે છે. રાણી તળાવથી ગામ તરફ ઉતરાવાનો એક ઢાળ છે એટલે કુંભાર વાડો આવે અને ભલગામડા તરફનો રસ્તો. મોચી વાડ, સોની પા, ભટ્ટ શેરી, વ્હોરાવાડ, સતવારા વાડ, કડીયા શેરી, ભરવાડ વાસ, કેમ જાણે વગર વ્યવસ્થાએ સૌ કોઇ ગામમાં ગોઠવાતા ગયા હશે. આમ છતાંય ગામ બે ભાગમાં વહેંચાયેલુ હતુ, જેમ મુંબઇ ઇસ્ટ અને મુંબઇ વેસ્ટ છે તેમ લીંબડી છાલીયા પરા અને બાહેલા પુરા. આ નામ વિષે કોઇ ઐતિહાસીક જાણકારી નથી પણ ઘરના સરનામાંમા પણ આ નામ લખવા પડે. શાક માર્કેટથી અમારી શેરી તરફ છાલીયા પરા ગણાય અને પાછળનો ભાગ બાહેલા પરા ગણાય.

ભટ્ટ શેરીમાં ફક્ત એક જ ઘર હતું મુંગા ભટ્ટનું બે મુંગા ભાઇઓ હતાં એક ભાઇ લોટ માગતા અને બીજા ભાઇ પેઇન્ટર હતાં, તે વખતે ગરીબ બ્રાહ્મણ પરિવાર નિશ્ચિત ઘરે જઇને લોટ માગી ગુજરાન ચલાવતા, આ ઘણુ કોમન ગણાતું, તેમની ગણતરી ભિખારીમાં ન ગણાતી, ઉપરથી સન્માન પૂર્વક તેમને લોટ આપવામાં આવતો, બીજા ભાઇ સારા પેઇન્ટર હતા. દુકાનોના સાઇન બોર્ડ, દિવાલો પરની જાહેરાતો આ બધું પેઇન્ટ કરતાંં. પેઇન્ટરની વાત નીકળી એટલે મને અમારા ગામના અંબાલાલ શ્રીમાળી કરીને ચિત્રકાર યાદ આવીગયા. તેમના ચિત્રો લગભગ દરેક મંદિરમાં, ધર્મશાળાઓમાં કે જાહેર જગ્યાએ જોવા મળતા. પૌરાણીક કથાઓ પર આધારીત ચિત્રો બનવવામાં માહિર હતાં. સતિ સાવિત્રી અને યમરાજ, લંકા દહન, સીતા સ્વયંવર, રામ વનવાસ જેવા ચિત્રો બનાવતા, પછી તો એવો ટ્રેન્ડ ચાલેલો કે લોકો તેમના ચિત્રોને સ્પોન્સર કરતાં, આ ચિત્ર ફલાણા ફલાણા તરફથી મંદિરને ભેટ. મને તેમને ચિત્રો દોરતા જોવાનો બહુ શોખ હતો. મોકો મળે ત્યારે કલાકો સુધી અંબાલાલને ચિત્રો પેઇન્ટીગ કરતા જોયા કરતો.

મારૂ ગામ એકદમ ચહેકતું અને કીલ્લોલ કરતું હોય એવું જ યાદ છે. હોળીમાં લાકડા અને છાણા ચોરી લાવતા પછી કોઇક બંધ ઘરની ખડકીમાં સંતાડી રાખતા. હોળી પ્રગટાવવાની હોય ત્યારે છાનામાના કાઢતા, ઘરે ઘરેથી અનાજ માગી લાવતા, હોળી પ્રગટાવતા પહેલા જમીનમાં ખાડો ખોદી અને માટલામાં તે અનાજ ભરી અને દાટી દેતા, તેના ઉપર હોળીના લાકડા અને છાણા ગોઠવી અને હોળી પ્રગટાવતા. સવારે હોળી ઠરી જાય એટલે તે માટલું કાઢીને બફાઇ ગયેલા ધાનનો પ્રસાદ ઘરે ઘરે વ્હેંચતા, પણ આવું ક્યારેક જ બનતું, કારણ કે આ માટલાની રાત આખી ચોકી કરવી પડે, અને જો ચુકી જાવ તો બાજુ વાળી રામનાથા શેરીના છોકરાઓ કાઢી જાય. આ રમતમાં જોકે ખેલદીલી જેવું હતું પણ રામનાથ શેરીના છોકરાઓ માથાભારે ગણાતા અને અમે વાણીયા બામણની શેરીના છોકરાઓ સોજા, કોઇની સાથે પંગો ના લઇએ.

દશેરાના દિવસે આ રામનાથ શેરી વાળા રાવણ કાઢતા, સવજી કરીને ધોબી હતો તેને ખુબ દારૂ પાતા મદમસ્ત બનીજાય એટલે કાળો ઘાઘરો, ઉપર કાળુ કમીજ પહેરાવે, મોઢું પણ મેશથી કાળુ કરેલુ હોય અને હાથમાં સડી ગયેલો વાંસડો પકડાવે, પછી ઢોલ નગારા વગાડતા વગાડતા તેને દારૂના નશામાં જ છુટ્ટો મુકી દે, તે  ગ્રીન ચોકથી ટાવર સુધી દોડા દોડ કરે, કોઇ પણ ગલીમાં ઘુસી જાય સડેલો વાંસડો સમણતો જાય, લડખડાય પડે, પાછો ઉભો થાય, રામનાથ શેરીના બીજા છોકરાઓ લાકડીઓ લઇને તેની આજુ બાજુ દોડીને  કવર કરે જેથી ગામની જોવા ઉમટેલી પબ્લીકને તે વગાડી ના બેસે. ઢોલ નગારા જેમ જોરથી વાગે તેમ રાવણ તાનમાં આવીને સડેલો વાસ લઇને તેને કવર કરી રહેલા છોકરાઓ જોડે લડતો જાય ભાગતો જાય અને અંતે થાકી જાય એટલે ઢળી પડે. આ તમાસો જોવા લગભગ આખુ ગામ ઉમટ્યુ હોય, દુકાનો વાળા દુકાનના ઓટલા ઉપર ઉભા ઉભા આ તમાશાને માણે, છેલ્લે ઢળી પડેલા રાવણને ઉચકીને નદી કિનારે આવેલા બહુચરાજીના મંદિર પાસે લઇ જઇ ને સુવાડી દે પછી માતાજીની આરતી ગાઇને સૌ છુટ્ટા પડે.

pkk

આવું હતું મારૂ ગામ લીંબડી, નવી પેઢીને કેટલું નસીબ છે તે તો ભગવાન જાણે, મને હજીએ મારા ઘરના ચોકમાંથી સામેના ખોરડે ટહુકતો મોર યાદ આવે છે.

લાવો રે કાચની લખોટીઓ લાવો, લાવો દુરબીન આભ જોવા.

કેટલા વર્ષે હું ગામમાં આવ્યો છું, મારૂ બળબળતું શહેર અહીં ખોવા.

18222340_1337221626315407_5585987469639623873_n

શું થયું છે ગામને  ?

( ગામના મિત્રો સાથે ફોન પર વાત થાય છે અને ગામ હવે પહેલા જેવું નથી, આ વાત સાંભળીને દુ:ખ થાય છે, ફોટોગ્રાફ મૂક્યા છે તે ઇશ્વર ભાઇને આભારી છે )

મે મુક્યુતુ ગામ મિત્રો દઇ ભરોસો રામને
સાવ સાચું કહો મિત્રો શું થયું છે ગામને.

આપણે જ્યાં રમ્યાતા,એ શેરીઓ ક્યાં ગઇ,
કેમ એકા એક જાણે સાંકડી થઇ ગઇ,
કોઇ ના સમજે હવે આ સીધી સાદી વાતને,
સાવ સાચું કહો મિત્રો શું થયું છે ગામને.

સાંજની વેળા ને ક્યાં છે પાછા વળતા ધણ,
ક્યાં ફરકતી ધજાઓ ને વાગતી ઝાલર ?
કોઈ ક્યાં પુછે છે સંતો સાધુઓના નામને
સાવ સાચું કહો મિત્રો શું થયું છે ગામને.

સોના સરખી રેતમાં કાં ઉગીયા બાવળ ?
કાં દટાયા કુવા કાંઠા નદી થઇ ગાયબ ?
ઉગતા સૂરજના હું સોગંદ આપુ સાંજને,
સાવ સાચું કહો મિત્રો શું થયું છે ગામને.

                                  -દિનકર  ભટ્ટ